ઉદ્યોગપતિ પાછળ મૂકી દે એવી બનાસકાંઠાની મહિલાએ 1 વર્ષમાં કરોડો રૂપિયા નું દૂધનું વેચાણ કર્યું અને મુસ્લિમ સમાજ નું નામ રોશન કર્યું
બનાસકાંઠા: પશુપાલનના વ્યવસાયમાં મહિલાઓ પણ પુરુષોને ટક્કર આપી શકે છે તેનું જીવંત ઉદાહરણ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના બસુ ગામના તસ્લીમબેન આસિફખાન ઝવેરીએ પૂરું પાડ્યું છે. ધોરણ-12 સુધી અભ્યાસ કરનાર તસ્લીમબેન આજે સેંકડો ભેંસોના પશુપાલન સાથે મોટો વ્યવસાય ચલાવી રહ્યા છે અને બનાસ ડેરીમાં દૂધ ભરાવવામાં મહિલાઓમાં પ્રથમ ક્રમે આવ્યા હોવાનું સામે આવ્યું છે.
તસ્લીમબેનના પરિવારમાં પશુપાલનનો વ્યવસાય વર્ષોથી ચાલતો આવ્યો છે. તેમના સસરાએ આશરે વર્ષ 1990ના સમયગાળામાં માત્ર 4થી 5 પશુઓથી પશુપાલનની શરૂઆત કરી હતી. ત્યારબાદ ધીમે ધીમે વ્યવસાય આગળ વધતો ગયો. તસ્લીમબેન લગ્ન કરીને પરિવારમાં આવ્યા ત્યારે પરિવાર પાસે અંદાજે 15થી 20 ભેંસો હતી.
વર્ષ 2010 બાદ તસ્લીમબેને પશુપાલનના વ્યવસાયને વધુ મોટા પાયે વિકસાવવાનો નિર્ણય કર્યો હતો. સતત મહેનત અને યોગ્ય આયોજનથી આજે તેમના ફાર્મમાં 350થી 400થી વધુ ભેંસો હોવાનું સામે આવ્યું છે. પરિવારનો આગામી ટાર્ગેટ હવે 500 ભેંસો સુધી પહોંચવાનો છે.રોજ 2200થી 2300 લીટર દૂધનું ઉત્પાદનતસ્લીમબેનના પશુપાલન ફાર્મમાંથી સવાર અને સાંજ મળીને દરરોજ અંદાજે 2200થી 2300 લીટર દૂધનું ઉત્પાદન થાય છે. આ દૂધ બનાસ ડેરીમાં ભરાવવામાં આવે છે. પરિવારના જણાવ્યા મુજબ દરરોજના દૂધની કિંમત અંદાજે રૂ.1.40થી 1.45 લાખ રૂપિયા સુધી થાય છે.વર્ષ 2025-26 દરમિયાન બનાસ ડેરીમાં અંદાજે રૂ.2 કરોડ 94 લાખનું દૂધ ભરાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
આ કામગીરીના કારણે તસ્લીમબેન બનાસ ડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવનાર મહિલાઓમાં પ્રથમ ક્રમે આવ્યા છે.
17થી 18 લોકોની ટીમ કરે છે સેંકડો ભેંસોની સંભાળઆટલા મોટા પશુપાલન વ્યવસાયને સંભાળવા માટે ફાર્મમાં 17થી 18 લોકોનો સ્ટાફ દિવસ-રાત કામગીરી કરે છે. પશુઓની સંભાળ અને દૂધના વ્યવસ્થાપન માટે બે ટ્રેક્ટર, પાંચ પિકઅપ વાહનો સહિત અન્ય વાહનોનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
તસ્લીમબેનના ફાર્મમાં જાફરાબાદી, કાઠિયાવાડી અને મુર્રાહ જાતની ભેંસોનું પાલન કરવામાં આવે છે. પશુઓની સંભાળ, ચારા-પાણી, દવા અને દૂધ ઉત્પાદનની સતત દેખરેખ માટે પરિવારના સભ્યો પણ સક્રિય રીતે જોડાયેલા રહે છે.70 ટકા આવક ચારા, દવા અને મજૂરી પાછળ ખર્ચાય છેપશુપાલનનો વ્યવસાય દેખાવમાં સરળ લાગે છે, પરંતુ તેમાં મોટો ખર્ચ અને સતત મહેનત જરૂરી હોવાનું તસ્લીમબેનના પરિવારનું કહેવું છે. પરિવાર પાસે 18થી 20 વીઘા જેટલી જમીન હોવા છતાં પશુઓ માટે જરૂરી સુકો ચારો બહારથી ખરીદવો પડે છે.
દૂધની આવકમાંથી અંદાજે 70 ટકા રકમ ચારો, દવા અને મજૂરી સહિતના ખર્ચમાં જાય છે. તેમ છતાં તમામ ખર્ચ બાદ પરિવારને વર્ષે અંદાજે રૂ.82થી 83 લાખ જેટલો ચોખ્ખો નફો મળતો હોવાનું સામે આવ્યું છે.
હવે 500 ભેંસો અને 5થી 6 કરોડના દૂધનો ટાર્ગેટતસ્લીમબેનના પરિવારે હવે પશુપાલન વ્યવસાયને વધુ વિસ્તૃત કરવાનો નિર્ણય કર્યો છે. આગામી સમયમાં ભેંસોની સંખ્યા 500 સુધી પહોંચાડવાનો અને બનાસ ડેરીમાં દૂધ ભરાવવાની આવક વધારીને 5થી 6 કરોડ રૂપિયા સુધી પહોંચાડવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે.
વડગામ તાલુકાના બસુ ગામના તસ્લીમબેન આસિફખાન ઝવેરીની સફળતા આજે બનાસકાંઠા સહિત ગુજરાતની મહિલાઓ અને પશુપાલકો માટે પ્રેરણારૂપ બની છે. યોગ્ય આયોજન, પરિવારનો સહકાર અને સતત મહેનતથી પરંપરાગત પશુપાલનના વ્યવસાયને પણ કરોડોના સ્તર સુધી લઈ જઈ શકાય છે તે તસ્લીમબેને સાબિત કરી બતાવ્યું છે.
