149 પેટીમાં ભરેલી 7,152 બોટલ સાથે વાહન કબજે, એક આરોપીની ધરપકડ; ત્રણ વોન્ટેડ જાહેર
વડોદરા: વડોદરા ગ્રામ્યના નંદેસરી પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે નજીક વાસદ તરફ જતા માર્ગ પર વોચ ગોઠવી SMCની ટીમે શંકાસ્પદ વાહનને ઝડપી પાડ્યું હતું. વાહનની તલાશી લેતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની મોટી માત્રામાં પેટીઓ મળી આવી હતી. સમગ્ર કાર્યવાહીમાં દારૂ, વાહન સહિત કુલ ₹27.99 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
149 પેટીમાંથી 7,152 બોટલ મળીSMCની તપાસ દરમિયાન વાહનમાંથી કુલ 149 પેટીમાં ભરેલી 7,152 બોટલ મળી આવી હતી. જપ્ત કરાયેલા વિદેશી દારૂ અને બિયરની કિંમત આશરે ₹12,85,920 હોવાનું નોંધાયું છે. દારૂના જથ્થા સાથે હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલું વાહન, રોકડ રકમ તથા મોબાઇલ ફોન સહિત અન્ય મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે. આ કાર્યવાહીએ એક્સપ્રેસવે મારફતે દારૂની હેરાફેરી કરતા તત્વોમાં દોડધામ મચાવી હોવાનું સામે આવ્યું છે.
જામનગરના શખ્સની ધરપકડ, સપ્લાય ચેઇન શોધવા તપાસદરોડા દરમિયાન વાહન ચલાવી રહેલા કાશીદ મહંમદ રફીક બલોચ, રહે. જામનગરને ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં દારૂના જથ્થાના સપ્લાય અને ડિલિવરી સાથે સંકળાયેલા અન્ય શખ્સોના નામ સામે આવ્યા હોવાનું જણાવાયું છે. પોલીસે આ કેસમાં ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે.
દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને વડોદરા સહિત કયા વિસ્તારમાં પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરાઈ છે.
નંદેસરી વિસ્તારમાં SMCની કાર્યવાહીથી સ્થાનિક સ્તરે પણ ચર્ચાનંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં SMCની ટીમ દ્વારા મોટા પ્રમાણમાં દારૂ ઝડપાતા સ્થાનિક સ્તરે પણ ચર્ચા શરૂ થઈ છે.
તાજેતરના સમયમાં વડોદરા અને આસપાસના વિસ્તારોમાં SMC દ્વારા દારૂના જથ્થા સામે કરવામાં આવેલી કાર્યવાહી બાદ હવે આ કેસમાં સમગ્ર સપ્લાય નેટવર્ક સુધી તપાસ પહોંચે છે કે કેમ તેના પર નજર રહેશે. વડોદરા નજીક એક્સપ્રેસવે પરથી પણ તાજેતરમાં SMCએ ₹27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે.
