15 વર્ષીય દીકરીના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું, આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસ તપાસમાં લાગી
વડોદરા: શહેરમાં ધોરણ-10માં અભ્યાસ કરતી 15 વર્ષીય વિદ્યાર્થિનીના પાંચમા માળેથી પડી જવાથી મોતની કરુણ ઘટના સામે આવી છે.
પ્રાથમિક માહિતી મુજબ વિદ્યાર્થિની સવારે સ્કૂલે ગઈ હતી અને પરત ઘરે આવ્યા બાદ પાંચમા માળની ઇમારતના ટેરેસ પરથી નીચે કૂદકો લગાવ્યો હતો. ગંભીર ઇજાઓના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી વિગતો મુજબ, વિદ્યાર્થિનીના પિતા વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળે છે. વિદ્યાર્થિની સવારે આશરે 6:10 વાગ્યે પોતાના ઘરેથી સ્કૂલ બસમાં શાળાએ જવા માટે નીકળી હતી. ત્યારબાદ સવારે આશરે 11 વાગ્યાની આસપાસ તે સ્કૂલથી પરત ઘરે પહોંચી હતી. ઘરે આવ્યા બાદ થોડા સમય પછી તેણે પાંચમા માળના ટેરેસ પરથી નીચે કૂદકો લગાવ્યો હતો.
માથામાં ગંભીર ઇજાથી ઘટનાસ્થળે જ મોતવિદ્યાર્થિની નીચે પટકાતા આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી.
ઘટનાની જાણ થતાં પરિવારજનો સહિત આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. વિદ્યાર્થિનીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળે છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
મોત પાછળનું કારણ હજુ રહસ્ય15 વર્ષીય વિદ્યાર્થિનીએ આટલું ગંભીર પગલું શા માટે ભર્યું તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. ઘટનાને પગલે પરિવારજનો અને સંબંધિત લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. મકરપુરા પોલીસની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા વિદ્યાર્થિનીના મોત પાછળના સંભવિત કારણો જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે.
