મૃતક ડો. હર્ષ પંડ્યાના પિતાની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી; વધુ કામ સોંપવા, અપમાનજનક વર્તન અને માનસિક દબાણના આક્ષેપો, BNS તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો
સુરત: સુરતની નવી સિવિલ હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજ સાથે જોડાયેલા રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતના બનાવે તબીબી જગતમાં ભારે ચકચાર જગાવી છે. MD માઈક્રોબાયોલોજીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 30 વર્ષીય રેસિડેન્ટ ડો. હર્ષ પંડ્યાના આપઘાત બાદ તેમના પિતાએ ચાર સિનિયર રેસિડેન્ટ તબીબો સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પુત્રને માનસિક રીતે હેરાન કરવા, અપમાનિત કરવા, વધુ પડતું કામ સોંપવા તેમજ જાતિ અંગે ટિપ્પણી કરીને ટાર્ગેટ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
હોસ્ટેલના રૂમમાં આપઘાતથી ચકચાર
મળતી માહિતી મુજબ, અરવલ્લીના મોડાસા ખાતે કૃષ્ણપ્રિયા પાર્ક સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત ડોક્ટર સુભાષચંદ્ર વાલજીભાઈ પંડ્યાના પુત્ર ડો. હર્ષ પંડ્યાએ સુરતની સરકારી મેડિકલ કોલેજમાં માર્ચ 2026માં MD માઈક્રોબાયોલોજીમાં પ્રવેશ લીધો હતો.
ડો. હર્ષ નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ન્યૂ પી.જી. હોસ્ટેલના ‘બી’ બ્લોકના રૂમ નંબર 1005માં રહેતા હતા. ગત 9 ઓગસ્ટના રોજ સવારે તેમણે હોસ્ટેલના રૂમમાં પંખા સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં હોસ્પિટલ તંત્ર અને પોલીસ દોડી આવી
પિતાએ ચાર સિનિયર ડોક્ટરો સામે ફરિયાદ કરી
પુત્રના મૃત્યુ બાદ તેના પિતા સુભાષચંદ્ર પંડ્યાએ ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં માઈક્રોબાયોલોજી વિભાગના બીજા વર્ષના રેસિડેન્ટ તરીકે ફરજ બજાવતા ડો. નીરાલી વસાવે, ડો. અનુજ મહેશ્વરી, ડો. દિક્ષિતા ગેવરિયા અને ડો. હીના ભૂત વિરાટ સામે આક્ષેપ કરવામાં આવ્યા છે.
ફરિયાદ મુજબ, ડો. હર્ષ અનુસૂચિત જાતિ (SC)માંથી આવતા હોવાની જાણ થયા બાદ તેમને ખાસ રીતે ટાર્ગેટ કરવામાં આવતા હોવાનો આક્ષેપ છે. પિતાનો આરોપ છે કે તેમના પુત્રને અન્ય વિદ્યાર્થીઓની સરખામણીએ વધુ કામ સોંપવામાં આવતું હતું અને વારંવાર અપમાનજનક તથા જાતિ સંબંધિત ટિપ્પણીઓ કરવામાં આવતી હતી.
વધુ કામ સોંપી માનસિક દબાણ કરવાનો આક્ષેપ
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ડો. હર્ષને રેસિડેન્ટ તરીકેની નિયમિત ફરજ ઉપરાંત વધારાનું કામ સોંપવામાં આવતું હતું. સિનિયર તબીબો દ્વારા વારંવાર અપમાનિત કરવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
પિતાના જણાવ્યા પ્રમાણે, ડો. હર્ષે ફોન પર વાતચીત દરમિયાન સિનિયરો તરફથી થતી હેરાનગતિ અંગે પરિવારને જાણ કરી હતી. જોકે, સાથે જ તેમણે મિત્રો સાથે રહીને પરિસ્થિતિ સંભાળી લેશે અને પરિવારને ચિંતા ન કરવાની ખાતરી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
જુનિયર તબીબો પાસે દબાણપૂર્વક કામ કરાવવાનો પણ આરોપ
ફરિયાદમાં વધુમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે સિનિયર તબીબો જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો પાસેથી તેમની ફરજ ઉપરાંતના કામ કરાવતા હતા. લેબ ટેકનિશિયનની જગ્યાએ કામ કરાવવું, સફાઈ કર્મચારીઓની કામગીરી પણ જુનિયર રેસિડેન્ટ પાસે કરાવવી તથા નાની બાબતોમાં પણ કનડગત કરાતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
કોઈ અન્ય વ્યક્તિ પાસેથી પાણીનો ગ્લાસ મંગાવવામાં આવે તો પણ તેના બદલે જુનિયર રેસિડેન્ટને જ તે કામ કરવા કહેવામાં આવતું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
બેઠક અને ફરિયાદ બાદ પણ કાર્યવાહીનો મુદ્દો
ઘટના બાદ મૃતક ડોક્ટરના સાથી જુનિયર રેસિડેન્ટ તબીબોએ મેડિકલ કોલેજના ડીન, સુપરિન્ટેન્ડન્ટ અને વિભાગીય વડા સમક્ષ સિનિયર તબીબોના વર્તન અંગે રજૂઆત કરી હોવાનું સામે આવ્યું છે. ફરિયાદ મુજબ, કેટલાક વિભાગોમાં જુનિયરોને લાંબા સમય સુધી ઉભા રાખવા તેમજ અપમાનજનક શબ્દો બોલવાના આક્ષેપો પણ રજૂઆતમાં કરવામાં આવ્યા હતા.
પોલીસે BNS અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો
મૃતકના પિતાની ફરિયાદના આધારે ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા BNSની કલમ 108 (આત્મહત્યાનું દુષ્પ્રેરણ), 127(2), 352, 54 તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની કલમ 3(2)(v) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
પોલીસ હવે હોસ્ટેલ પરિસર, મેડિકલ કોલેજ સ્ટાફ, એન્ટિ-રેગિંગ કમિટી સાથે જોડાયેલા દસ્તાવેજો અને સંબંધિત વ્યક્તિઓના નિવેદનોના આધારે તપાસ આગળ ધપાવી રહી છે.
એન્ટિ-રેગિંગ કમિટીના દસ્તાવેજોની પણ તપાસ
પોલીસ તપાસમાં મેડિકલ કોલેજની એન્ટિ-રેગિંગ કમિટી દ્વારા અગાઉ કરવામાં આવેલી કાર્યવાહી અને રજૂઆતોના દસ્તાવેજો પણ મહત્વના બની શકે છે. તપાસ એજન્સી દ્વારા ઉપલબ્ધ દસ્તાવેજો એકત્ર કરી ચારેય આરોપીઓ સામેના આક્ષેપોની હકીકત ચકાસવામાં આવી રહી છે.
