ભાવનગર જિલ્લામાં નકલી ઈંગ્લિશ દારૂ પીધા બાદ સર્જાયેલી ગંભીર ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે.
ભાવનગર:
મળતી માહિતી મુજબ દારૂની પાર્ટી બાદ અનેક લોકોની તબિયત લથડતાં સારવાર માટે હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં અત્યાર સુધી ચાર લોકોના મોત થયાનું સામે આવ્યું છે, જ્યારે 20 જેટલા લોકો બીમાર પડ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) સહિતની એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
એક જ પાર્ટી બાદ અનેક લોકોની તબિયત લથડી
મળતી માહિતી અનુસાર ભાવનગરના ઘોઘા તાલુકાના ખડકી ગામમાં 16 ઓગસ્ટની રાત્રે કેટલાક લોકોએ દારૂની પાર્ટી કરી હતી. ત્યારબાદ એક પછી એક લોકોની તબિયત ખરાબ થવા લાગી હતી. કેટલાક લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ઘટનાની ગંભીરતા સામે આવતાં સ્થાનિક તંત્ર ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સક્રિય બન્યા હતા. બીમાર દર્દીઓની સારવાર માટે હોસ્પિટલોમાં તબીબી વ્યવસ્થા વધારવામાં આવી હતી.
ચાર મોતથી વધ્યો સવાલોનો ઘેરાવો
આ સમગ્ર ઘટનામાં અત્યાર સુધી ચાર લોકોના મોત થયાનું સામે આવ્યું છે. મૃતકોમાં કાતિક અશ્વિનભાઈ મકવાણા (ઉં.વ. 40), ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ (ઉં.વ. 25), નરેન્દ્રસિંહ યાદવ અને કનકસિંહ ગોહિલના નામ સામે આવ્યા છે.પરિવારજનો દ્વારા નકલી દારૂ પીવાથી મોત થયાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જોકે, દરેક મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ અને તબીબી તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
નરેન્દ્રસિંહ યાદવની સારવાર દરમિયાન પણ મોત
મૂળ ઈન્દોરના રહેવાસી નરેન્દ્રસિંહ યાદવને તબિયત બગડતા વેદ હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હોવાનું સામે આવ્યું છે. તેઓ અમદાવાદથી પરત ફર્યા બાદ બીમાર પડ્યા હોવાની માહિતી પણ તપાસમાં સામે આવી રહી છે.
SMCએ તપાસ સંભાળી, દારૂના સપ્લાય પર તવાઈ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સ્તરે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા અમદાવાદ એરપોર્ટ પર બેઠક કરી સમગ્ર મામલાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને સોંપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.દરમિયાન ભાવનગર પોલીસે નકલી દારૂના સંભવિત સપ્લાયને લઈને કાર્યવાહી તેજ કરી છે. પોલીસ દ્વારા દારૂના વેચાણ સાથે સંકળાયેલા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને દારૂ ક્યાંથી આવ્યો હતો તથા કોને સપ્લાય કરવામાં આવ્યો હતો તેની કડી શોધવામાં આવી રહી છે.
મધ્યપ્રદેશથી લાવવામાં આવ્યો હતો દારૂ?
તપાસ દરમિયાન મધ્યપ્રદેશના ઉજ્જૈનથી 28 પેટી દારૂ લાવવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. જેમાંથી 15 પેટી જપ્ત કરવામાં આવી છે, જ્યારે બાકીની પેટીઓ અંગે પોલીસ તપાસ અને શોધખોળ ચાલી રહી છે.આ દારૂની હેરાફેરી પાછળ કોણ છે, તેને ભાવનગર સુધી કોણ લાવ્યું અને સ્થાનિક સ્તરે કોને સપ્લાય કરવામાં આવ્યો હતો તે અંગે પોલીસ હવે સમગ્ર ચેઇન સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
7 મિત્રોની પાર્ટી બની મોતનું કારણ?
પોલીસ તપાસમાં ખડકી ગામમાં સાત મિત્રોએ 16 ઓગસ્ટની રાત્રે દારૂની પાર્ટી કરી હોવાની માહિતી સામે આવી છે. આ પાર્ટી બાદ ઉપેન્દ્રસિંહ ગોહિલની તબિયત ગંભીર બની હતી અને ત્યારબાદ તેમનું મોત થયું હતું.હાલ અન્ય કેટલાક લોકોની પણ અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. કેટલાક દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાનું પણ જાણવા મળે છે.
ચાર બુટલેગરો ઝડપાયા
નકલી દારૂના કેસમાં પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરી ‘રોયલ સ્ટેગ’ નામના દારૂના વેચાણ સાથે સંકળાયેલા ચાર શખ્સોને ડિટેઇન/ઝડપી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ હવે તેમની પૂછપરછ કરીને સમગ્ર સપ્લાય ચેઇન સુધી પહોંચવાની દિશામાં તપાસ કરી રહી છે.તપાસમાં
સૌથી મોટો સવાલ — દારૂમાં ભેળસેળ શું હતી?
આ ઘટનામાં સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે મૃતકો અને બીમાર પડેલા લોકોએ જે દારૂ પીધો હતો તેમાં કયો પદાર્થ ભેળવવામાં આવ્યો હતો. દારૂ ખરેખર નકલી હતો કે તેમાં કોઈ ઝેરી કેમિકલ અથવા અન્ય હાનિકારક પદાર્થની ભેળસેળ કરવામાં આવી હતી, તે અંગે તબીબી અને ફોરેન્સિક તપાસ મહત્વની બનશે.હાલ પોલીસ દ્વારા જપ્ત કરાયેલા દારૂના નમૂનાઓની તપાસ કરાવવામાં આવી રહી છે. રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ અને દારૂમાં ભેળસેળ અંગે સ્પષ્ટતા થઈ શકશે.
