વડોદરાના એન્જિનિયરને ₹6 લાખની ઓનલાઈન લોનની લાલચ આપી, અલગ-અલગ ખાતામાં રકમ ટ્રાન્સફર કરાવ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ
વડોદરા: ઓનલાઈન લોનની જરૂરિયાત ધરાવતા એક એન્જિનિયરને લોન અપાવવાની લાલચ આપી બનાવટી દસ્તાવેજો અને ખોટી રસીદોના આધારે કુલ આશરે ₹5.29 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર પ્રકરણ અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ફરિયાદ મુજબ, એક ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા યુવકને આરોપીઓએ આશરે ₹6 લાખની ઓનલાઈન લોન અપાવવાની લાલચ આપી હતી. આ માટે આરોપીઓ દ્વારા અલગ-અલગ મોબાઈલ નંબર તથા ઈ-મેલ આઈડી મારફતે ફરિયાદીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને બજાજ ફાઇનાન્સની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં લોગિન કરાવવામાં આવ્યું હતું.₹6 લાખની જગ્યાએ ₹8.78 લાખની લોન મંજૂર કરાવ્યાનો આક્ષેપ
ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓએ ₹6 લાખની લોન અપાવવાનું કહી ત્યારબાદ મનસ્વી રીતે આશરે ₹8,78,736ની લોન મંજૂર કરાવી હતી. લોનની પ્રક્રિયા દરમિયાન ફરિયાદીના બેંક ખાતામાં આવેલી વધારાની રકમમાંથી આશરે ₹2,79,308 અલગ-અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લેવામાં આવી હોવાનો આક્ષેપ છે.ફરિયાદ મુજબ, સમગ્ર વ્યવહારને વિશ્વસનીય દેખાડવા માટે આરોપીઓએ બજાજ ફાઇનાન્સના નામે ખોટો લોન એકાઉન્ટ નંબર પણ ઇશ્યૂ કરાવ્યો હતો.
બનાવટી સહી-સિક્કાવાળી રસીદ મોકલી વિશ્વાસ જીત્યાનો આક્ષેપફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપીઓએ વિશ્વાસમાં લેવા માટે બજાજ ફાઇનાન્સના નામે સહી-સિક્કાવાળી બનાવટી રસીદ તૈયાર કરી ઈ-મેલ મારફતે મોકલી હતી. જેના કારણે ફરિયાદીને મોકલવામાં આવેલી રસીદ સાચી હોવાનો ભ્રમ ઊભો થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ત્યારબાદ ફરિયાદી પાસેથી લગભગ ત્રણ મહિના સુધી લોનની EMI ભરાવવામાં આવી હતી. લોન સેટલમેન્ટ કરાવવાના બહાને આરોપીઓએ ફરીથી ફરિયાદી પાસેથી ₹2,50,002 ઓનલાઈન ઇલેક્ટ્રોનિક માધ્યમથી ટ્રાન્સફર કરાવી લીધા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.કુલ ₹5.29 લાખની રકમ પરત ન કરતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો
આ રીતે અલગ-અલગ તબક્કે રકમ ટ્રાન્સફર કરાવી લીધા બાદ આરોપીઓએ પૈસા પરત ન આપતા ફરિયાદીને છેતરપિંડી થયાની જાણ થઈ હતી.
ફરિયાદ મુજબ, સમગ્ર ઘટનામાં કુલ આશરે ₹5,29,310ની રકમની ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે.આ મામલે ફરિયાદીએ સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી છે. સમગ્ર પ્રકરણમાં બનાવટી દસ્તાવેજો, ખોટી લોન વિગતો, ઈ-મેલ અને બેંક ખાતાઓ મારફતે કરવામાં આવેલા નાણાકીય વ્યવહારો સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.
