આત્મહત્યા કરવાનો વિચાર આવતા રાત્રે એકલી બેઠેલી યુવતીને અભયમ ટીમે સમજાવી સુરક્ષિત આશ્રય આપ્યો
વડોદરા: પરિવારના સતત કંકાસ અને માનસિક તણાવથી કંટાળેલી એક 25 વર્ષીય યુવતી આત્મહત્યા કરવાનો વિચાર લઈને ઘરેથી નીકળી હતી. યુવતી ટ્રેન મારફતે અંકલેશ્વરથી વડોદરા પહોંચી હતી અને મોડી રાત્રે શહેરની એક સોસાયટી પાસે એકલી બેઠેલી જોવા મળતાં સ્થાનિક લોકોએ અભયમ 181 મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. ઘટનાની જાણ થતાં અભયમની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી યુવતીને કાઉન્સેલિંગ આપી સુરક્ષિત રીતે મદદ કરી હતી.
મળતી માહિતી મુજબ, યુવતી અંકલેશ્વરની રહેવાસી છે. થોડા સમય પહેલાં તે સુરત ગઈ હતી અને ત્યારબાદ ઘરે પરત આવી હતી. ઘરે પરત આવ્યા બાદ માતા-પિતા વચ્ચે અવારનવાર થતા ઝઘડાના કારણે યુવતી માનસિક રીતે પરેશાન રહેતી હતી. યુવતીના જણાવ્યા મુજબ તેના પિતા અવારનવાર ગુસ્સામાં અપશબ્દો બોલતા અને તેને ઘર છોડીને જવા માટે કહેતા હતા.
માત્ર રૂ.200 લઈને ટ્રેનમાં બેસી વડોદરા આવીપરિવારમાં સતત થતા ઝઘડા અને તણાવથી કંટાળેલી યુવતીએ માતા પાસેથી રૂ.200 માંગ્યા હતા. ત્યારબાદ તે ટ્રેનમાં બેસીને વડોદરા આવી પહોંચી હતી. રાત્રિના આશરે 12 વાગ્યાના સમયે યુવતી એક સોસાયટી પાસે એકલી બેઠેલી જોવા મળતાં સ્થાનિક લોકોનું ધ્યાન તેના તરફ ગયું હતું.સ્થાનિક લોકોએ યુવતીની પૂછપરછ કરતાં તે આત્મહત્યા કરવાના વિચાર સાથે અહીં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તાત્કાલિક અભયમ 181ની મદદ લેવામાં આવી હતી.અભયમ ટીમે સ્થળ પર પહોંચી કાઉન્સેલિંગ કર્યુંફોન મળતાં જ અભયમની ટીમ સ્થળ પર પહોંચી હતી. ટીમે યુવતી સાથે વાતચીત કરી તેની સમગ્ર સ્થિતિ સમજવાનો પ્રયાસ કર્યો હતો. કાઉન્સેલિંગ દરમિયાન યુવતીની અંકલેશ્વરમાં રહેતી હોવાની અને પરિવારના આંતરિક મતભેદોના કારણે તે ઘર છોડીને આવી હોવાનું જાણવા મળ્યું હતું.
અભયમ ટીમે યુવતીને સમજાવ્યું કે મુશ્કેલ પરિસ્થિતિમાં ઉતાવળનો નિર્ણય લેવાને બદલે પરિવારજનો તથા વિશ્વસનીય વ્યક્તિની મદદ લેવી જરૂરી છે. ટીમે યુવતીના પરિવારનો પણ સંપર્ક કર્યો હતો અને સમગ્ર પરિસ્થિતિ અંગે તેમને જાણ કરી હતી.
રાત્રિના સમયે યુવતીને સુરક્ષિત આશ્રય અપાયોરાત્રિનો સમય હોવાથી અભયમ ટીમે યુવતીની સુરક્ષાને પ્રાથમિકતા આપી તેને સ્વાધાર વન સ્ટોપ સેન્ટર ખાતે સુરક્ષિત આશ્રય અપાવ્યો હતો. જરૂર પડે ત્યારે અભયમ ટીમનો સંપર્ક કરવા અંગે પણ યુવતીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
