અમદાવાદની 3 શાળાઓને પણ ઉડાવી દેવાની ધમકી; તપાસમાં અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહીં
ગાંધીનગર: ગુજરાતમાં ફરી એકવાર બોમ્બની ધમકીઓ મળતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. આજે 10 સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભા, ગાંધીનગર સ્થિત જિલ્લા કોર્ટ અને અમદાવાદની ત્રણ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઇલ મળ્યા હોવાની માહિતી સામે આવી છે.
ધમકીભર્યા સંદેશાઓ બાદ સંબંધિત સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી તપાસ હાથ ધરવામાં આવી હતી.
વિધાનસભાને મળેલી ધમકી બાદ ચેકિંગગાંધીનગર વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર પરિસરની તપાસ કરવામાં આવી હતી. ગાંધીનગર SP રવિ તેજાએ જણાવ્યું હતું કે સવારે આશરે 8 વાગ્યે ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા વિધાનસભા અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી અને સવારે 9 વાગ્યા પહેલાં વિધાનસભા પરિસરમાં ચેકિંગ પૂર્ણ કરવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા વિધાનસભાની કાર્યવાહી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી.
ગાંધીનગર જિલ્લા કોર્ટને પણ ધમકીવિધાનસભા બાદ ગાંધીનગર જિલ્લા કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં કોર્ટ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈ-મેઇલ મળ્યા બાદ કોર્ટમાં હાજર ન્યાયાધીશો, વકીલો, અરજદારો અને કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ચેકિંગ હાથ ધરાયું હતું.
સુરક્ષાના ભાગરૂપે કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું. બોમ્બ સ્ક્વોડ, ફાયર વિભાગ, પોલીસ સહિતની ટીમોએ સ્થળ પર પહોંચી તપાસ કરી હતી. જોકે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદની ત્રણ શાળાઓને પણ નિશાન બનાવવાની ધમકી
આ જ પ્રકારની ધમકી અમદાવાદની ત્રણ શાળાઓને પણ મળતાં વાલીઓમાં ચિંતા ફેલાઈ હતી. ધમકી મળ્યા બાદ શાળાઓમાં સવારની પાળીના વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપી દેવામાં આવી હતી અને વાલીઓને મેસેજ મારફતે બાળકોને ઘરે લઈ જવા સૂચના આપવામાં આવી હતી.
બોમ્બની માહિતી મળતાં જ બોમ્બ સ્ક્વોડ, ફાયર વિભાગ, પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમો સંબંધિત શાળાઓ પર પહોંચી હતી. શાળાઓ ખાલી કરાવી સઘન તપાસ કરવામાં આવી હતી. જોકે, ત્યાંથી પણ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હોવાનું જણાવાયું છે.
10 મહિનામાં ધમકીભર્યા ઈ-મેઇલનો સિલસિલોગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી શાળા, કોર્ટ અને અન્ય મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળવાના બનાવો સામે આવ્યા છે. અગાઉ પણ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિતના વિવિધ સ્થળોને ધમકીભર્યા ઈ-મેઇલ મળ્યા હતા.
