વડોદરા: શહેરના ભાયલી વિસ્તારમાં વર્ષ 2024ની નવરાત્રિ દરમિયાન સગીરા સાથે થયેલા ચકચારી ગેંગરેપ કેસમાં વડોદરા પોક્સો કોર્ટે કડક ચુકાદો આપ્યો છે. કેસમાં દોષિત ઠરેલા પાંચેય આરોપીઓને તેમના અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારવામાં આવી છે. સાથે જ પીડિતાને રૂ.10 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.
મળતી વિગતો મુજબ વર્ષ 2024માં નવરાત્રિના બીજા દિવસે રાત્રિના સમયે એક સગીરા પોતાના મિત્ર સાથે ગરબા રમવા ગઈ હતી. બાદમાં બંને ભાયલીના એક નિર્જન વિસ્તારમાં બેઠા હતા.
આ દરમિયાન બે બાઈક પર પાંચ શખ્સો ત્યાં પહોંચ્યા હતા.
આરોપીઓએ બંનેના ટુ-વ્હીલરની ચાવી લઈ લીધી હતી અને પરિવારને બોલાવી દેવાની ધમકી આપી બંનેને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. શરૂઆતમાં ઘટનાને ધમકી અને લૂંટફાટની સામાન્ય ઘટના તરીકે જોવામાં આવી રહી હતી, પરંતુ થોડી જ વારમાં મામલાએ ગંભીર અને ભયાનક વળાંક લીધો હતો.
આરોપીઓએ સગીરાને તેના પરિવારનો નંબર આપવા દબાણ કર્યું હતું. સગીરાએ મદદ માટે બૂમો પાડતાં ઘટનાસ્થળે હાજર બે આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હોવાનું સામે આવ્યું હતું. જોકે બાકીના ત્રણ આરોપીઓએ સગીરા અને તેના મિત્રને ધમકાવવાનું ચાલુ રાખ્યું હતું.
સગીરાના મિત્રએ વિરોધ કરતાં આરોપીઓએ તેને પકડી રાખ્યો હતો અને ત્યારબાદ ત્રણ આરોપીઓએ સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે અન્ય બે આરોપીઓ દ્વારા સગીરા સાથે શારીરિક છેડછાડ કરવામાં આવી હોવાનું પણ તપાસ અને કોર્ટની કાર્યવાહી દરમિયાન સામે આવ્યું હતું.
ઘટનાથી ગભરાયેલા સગીરા અને તેના મિત્ર સીધા તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશન ઘટનાસ્થળથી આશરે બે કિલોમીટરના અંતરે હતું. સગીરાએ પોલીસ સમક્ષ પોતાની સાથે બનેલી સમગ્ર ઘટના વર્ણવતાં પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું અને તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.
ઘટનાસ્થળ નિર્જન વિસ્તારમાં હોવાથી આરોપીઓ સુધી પહોંચવું પોલીસ માટે મોટો પડકાર બન્યો હતો. આસપાસ સીધા CCTV કેમેરા ઉપલબ્ધ ન હોવાથી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજનો સહારો લીધો હતો.
તપાસ દરમિયાન પોલીસે 1100થી વધુ CCTV કેમેરાના ફૂટેજ અને અંદાજે 45 કિલોમીટરના રૂટની તપાસ કરી હતી. આરોપીઓ શહેરમાં જ ક્યાંક છુપાયા હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં પોલીસ ટીમો મેદાનમાં ઉતારવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર 200થી વધુ પોલીસકર્મીઓની ટીમોએ તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળની આસપાસના અંદાજે ત્રણ કિલોમીટરના વિસ્તારમાં આવેલા 1,000થી વધુ ઘરોની પણ તપાસ કરવામાં આવી હતી. દરેક શંકાસ્પદ હિલચાલ અને CCTV ફૂટેજને જોડીને આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
આ કેસની તપાસમાં લૂંટાયેલો મોબાઈલ ફોન પણ મહત્વનો પુરાવો બન્યો હતો. આરોપીઓ સગીરાનો મોબાઈલ ફોન પોતાની સાથે લઈ ગયા હતા. બનાવની રાત્રે સગીરાની માતાએ લગભગ 12.30 વાગ્યે ફોન કર્યો હતો. તે સમયે આરોપીઓએ ભૂલથી થોડા સમય માટે ફોન ઉપાડી લીધો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
આશરે ત્રણ સેકન્ડ માટે ફોન રિસિવ થયા બાદ કોલ કટ કરી દેવામાં આવ્યો હતો. જોકે આ થોડા સેકન્ડના ફોનમાં પાછળ ઢોલ અને ડીજેના અવાજ સંભળાયા હતા. આ મહત્વની ટેકનિકલ માહિતી અને લોકેશનના આધારે પોલીસ તપાસ આગળ વધારી શકી હતી.
ઘટનાના માત્ર 48 કલાકમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા, જ્યારે ત્યારબાદ અન્ય બે આરોપીઓને પણ પકડી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં મુન્ના અબ્બાસ બનજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ બનજારા, શાહરૂખ બનજારા, સૈફઅલી બનજારા અને અજમલ સત્તારનો સમાવેશ થાય છે.
તપાસમાં સામે આવ્યું હતું કે પાંચેય આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના હતા અને વર્ષોથી વડોદરામાં રહેતા હતા. તેઓ શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા હોવાનું તેમજ મજૂરી અને કલરકામ સહિતની કામગીરી કરતા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું.
સરકારી પક્ષે કોર્ટ સમક્ષ પુરાવાઓની તમામ કડીઓ શંકાથી પર સાબિત કરવામાં આવી હોવાનું રજૂ કર્યું હતું. કેસમાં ભોગ બનનારનો મોબાઈલ ફોન લૂંટી લેવામાં આવ્યો હતો અને પુરાવાનો નાશ કરવાના ઇરાદે તેને વિશ્વામિત્રી નદીમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનો મુદ્દો પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
ખાસ સરકારી વકીલ અનિલ દેસાઈએ કોર્ટ સમક્ષ આરોપીઓને મહત્તમ સજા ફટકારવાની રજૂઆત કરી હતી. સરકારી પક્ષે દલીલ કરી હતી કે ગુનાની ગંભીરતા અને કાયદાની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે.
