30થી વધુ જિલ્લાઓ માટે ઓરેન્જ-યલો એલર્ટ, સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત સુધી વરસાદી માહોલ; નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિથી તંત્ર એલર્ટ
ભારત વોચ સમાચાર.
અમદાવાદ: ગુજરાતમાં ચોમાસું હવે જોર પકડી રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ખાસ કરીને મહીસાગરના બાલાસિનોર-ગોધરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગર સહિતના શહેરોમાં પણ વહેલી સવારથી જ ભારે વરસાદી માહોલ સર્જાતા અનેક સ્થળોએ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદનું જોર આગામી દિવસોમાં પણ યથાવત રહેવાની શક્યતા છે. ભારે વરસાદની સંભાવનાને પગલે અનેક વિસ્તારો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
🌧️ બાલાસિનોરમાં દોઢ ઈંચથી વધુ વરસાદ
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 134 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. તેમાં મહીસાગર જિલ્લાના ગોધરામાં આશરે 2.30 ઈંચ, જ્યારે નવસારીના ખેરગામમાં 1.54 ઈંચ વરસાદ નોંધાયો છે.
મંગળવારે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન જ 55 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. આ સમયગાળામાં મહીસાગરના બાલાસિનોરમાં આશરે દોઢ ઈંચ વરસાદ નોંધાતા સ્થાનિક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી
13 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે બપોર સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, બોટાદ, મહીસાગર, પંચમહાલ, ખેડા અને આણંદ સહિતના જિલ્લાઓમાં વરસાદનું જોર રહેવાની શક્યતા છે.
કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ઉપરાંત કલાકના 41 કિમી સુધીની ઝડપે પવનના ઝાપટા ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદ-ગાંધીનગરમાં રસ્તાઓ પર પાણી
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી પડેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં હતાં. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
કેટલાક વિસ્તારોમાં વરસાદને કારણે ટ્રાફિકની ગતિ ધીમી પડી હતી. સોલા, એસ.જી. હાઇવે, નિકોલ સહિતના વિસ્તારોમાં વરસાદની અસર જોવા મળી હતી. ભારે વરસાદને કારણે એસ.જી. હાઇવે પર હાઇકોટૅ ઓવરબ્રિજ નજીક ખાડા પડતા AMC દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી પડી હતી.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ
રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સક્રિય રહ્યો છે. જામનગર, રાજકોટ, જૂનાગઢ, મોરબી, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ અને વડોદરા સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આગામી દિવસોમાં વરસાદનું જોર વધે તેવી પણ સંભાવના છે.
મહીસાગરમાં સતત બીજા દિવસે મેઘમહેર
મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો છે. લુણાવાડા, વીરપુર અને બાલાસિનોર સહિતના વિસ્તારોમાં વરસાદના કારણે જનજીવન પર અસર જોવા મળી છે.
કોઠંબા તાલુકાના રાબડિયા ગામે ભારે વરસાદના કારણે એક કાચું મકાન ધરાશાયી થયું હોવાનું પણ સામે આવ્યું છે. જોકે વરસાદથી ખેતી ક્ષેત્રે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા વિરામ બાદ પડેલા વરસાદથી પાકને નવી સંજીવની મળવાની આશા ખેડૂતોમાં જાગી છે.
ઓગસ્ટમાં વરસાદ વધુ જોર પકડે તેવી આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. 13 ઓગસ્ટ સુધી અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આગાહી મુજબ સાબરકાંઠા અને અરવલ્લીમાં કેટલાક વિસ્તારોમાં અન્ય વિસ્તારોની સરખામણીએ વધુ વરસાદ પડી શકે છે.
14 ઓગસ્ટ બાદ બંગાળની ખાડીમાં સર્જાનારી લો-પ્રેશર સિસ્ટમની અસરથી 17થી 19 ઓગસ્ટ તથા 22-23 ઓગસ્ટ દરમિયાન ફરી રાજ્યમાં વરસાદી ગતિવિધિ વધવાની શક્યતા છે.
આ ઉપરાંત ઓગસ્ટના અંતિમ તબક્કામાં પણ વરસાદી માહોલ સક્રિય રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 31 ઓગસ્ટથી પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર બેસતા સપ્ટેમ્બર દરમિયાન પણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે
BHARAT WATCH NEWS PEPAR
BHARAT WATCH NEWS CHANNEL
WEBSITE. bharatwatchnews
સમાચાર તથા જાહેરાત માટે સંપર્ક કરો
તંત્રી: સૈયદ હાશ્મી બાપુ
મો 9586731973
સહ તંત્રી: પિયુષ કુમાર ચૌહાણ
મો.9998572353
